આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 10 August 2014

♥ રક્ષાબંધન ♥

→ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારતમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.

→ રક્ષાબંધનની શરૂઆત પાછળ ઘણી પૌરાણિક અને આધુનિક કિંવદંતીઓ પ્રચલિત છે, પરંતુ આ સિવાય પણ શ્રાવણી પૂર્ણિમાનો  દિવસ બીજાં કારણોને લઈને પવિત્ર
માનવામાં આવે છે.

♥ પ્રાદેશિક પરંપરાઓ ♥

→ દરેક પ્રદેશની તહેવાર સાથે આગવી પરંપરાઓ જોડાયેલી હોય છે. જે તહેવારની ઉજવણીમાં પણ જોવા મળે છે.

→ પશ્ચિમ ભારતના સમુદ્ર તટે આવેલા પ્રદેશો જેમ કે, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત વગેરે જગ્યાએ
''નારિયેળી  પૂર્ણિમા ''સ્વરૂપે આ તહેવાર
મનાવવામાં આવે છે. વેદોમાં આ દિવસે
વરુણ દેવનું પૂજન કરીને નારિયેળ અર્પણ
કરવાનું જણાવાયું છે. તેથી  પૂર્ણિમા  દિવસે
ત્યાંના લોકો (ખાસ કરીને માછીમારો)
એક નારિયેળ જળના દેવતા ભગવાન
વરુણની પૂજાના સ્વરૂપે સમુદ્ર દેવને અર્પણ
કરે છે. આવું કરવા પાછળ એવો વિશ્વાસ
રહેલો છે કે સમુદ્ર જળના દેવતા સ્વરૂપ છે.
તેઓ પોતાના ભક્તો પર ક્યારેય
કોપાયમાન ન થાય.

→ કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઓરિસ્સા જેવાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં બ્રાહ્મણ સમુદાય
દ્વારા આ દિવસ 'અવની અવિત્તમ' તરીકે મનાવવામાં આવે છે.

→ કર્ણાટકમાં યજુર્વેદના અદ્યેતાઓ આ દિવસને 'ઉપકર્મ' તરીકે ઊજવે છે. ઉપકર્મને વૈદિક શિક્ષણના આરંભનો દિવસ ગણવામાં આવે છે. વૈદિક શિક્ષણનું અધ્યયન શરૂ કરતાં પહેલાં યજુર્વેદના અદ્યેતાઓ દ્વારા એકબીજા સાથે પોતાનું યજ્ઞાોપવીત (જનોઈ) બદલવાની પરંપરા આ
રાજ્યોમાં જોવા મળે છે.

→ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આ તહેવાર 'કજરી પૂર્ણિમા' તરીકે ઊજવવામાં આવે છે. આ રાજ્યોમાં જે પરિવારમાં પુત્રો હોય છે
તેમના દ્વારા આ તહેવાર ઊજવવામાં આવે છે. શ્રાવણ માસની અમાસ પછી નવમા દિવસથી 'કજરી પૂર્ણિમા'   ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ જાય છે. આ નવમા દિવસને જ કરજરી નવમી કહેવામાં આવે છે. આ દિવસથી લઈને પૂર્ણિમા' દિવસ સુધી ઘણાં પ્રકારની જુદી-જુદી પૂજાઓનું
આયોજન થતું રહે છે.

→ રાજસ્થાનમાં રામરાખી, ચૂડારાખી કે લૂંબા બાંધવાનો રિવાજ છે.

→ રામરાખી સામાન્ય રાખડીથી અલગ હોય છે. તેમાં લાલ દોરા પર પીળું ફૂલ હોય છે જે માત્ર ભગવાનને જ બાંધવામાં આવે છે. ચૂડારાખી ભાભીની બંગડીઓ પર બાંધવામાં આવે છે.

→ જોધપુરમાં રક્ષાબંધનના દિવસે માત્ર રાખડી જ બાંધવામાં આવતી નથી, પણ બપોરના સમયે નદી કિનારે ગણેશજી અને દુર્ગામાની પ્રતિમા બનાવીને ઋષિ- મુનિઓને અર્પણ કરવામાં આવે છે. આ ધાર્મિક અનુષ્ઠાન બાદ ઘરે યજ્ઞાે કરવામાં આવે છે. રક્ષાસૂત્રને કાચા દૂધથી ધોઈ, અભિમંત્રિત કરીને પછી ભાઈના કાંડા પર બાંધવામાં આવે
છે.

→ વ્રજમાં હરિયાળી ત્રીજથી શ્રાવણી પૂર્ણિમા સુધી મંદિરમાં ઠાકોરજીના ઝૂલા લગાવવામાં આવે
છે. રક્ષાબંધનના દિવસે ઝૂલાનાં દર્શન બંધ
થઈ જાય છે.

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

♥ પૌરાણિક કથાઓ ♥

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની ર્પૂિણમાએ મનાવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારનું ધાર્મિક મહત્ત્વ એટલા માટે પણ છે કે મહાભારતમાં કે પુરાણમાં બનેલી અમુક ઘટના શ્રાવણી પૂનમના દિવસે જ બની હતી. બલિ રાજાની કથા, ઈન્દ્ર- ઈન્દ્રાણીની કથા તેમ જ મહાભારતમાં પણ રક્ષાબંધનના પર્વનો ઉલ્લેખ જોવા મળે છે.

♥ બલિ રાજાની કથા ♥

સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન સાથે સંકળાયેલી કથાઓ જોવા મળે છે. ભગવાન
વિષ્ણુએ વામન અવતાર ધારણ
કરી બલિ રાજાના અભિમાનને આ દિવસે જ નષ્ટ કર્યું હતું, તેથી આ તહેવાર બળેવના નામે પણ ઓળખાય છે.

આ કથા પ્રમાણે દાનવરાજ બલિએ જ્યારે સો યજ્ઞ પૂર્ણ કરીને પોતાના રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઈન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ
કરીને રાજા બલિ પાસે ભિક્ષા માંગી. પોતાના ગુરુ શુક્રાચાર્યની મનાઈ હોવા છતાં પણ વામનને ત્રણ ડગલાં ભૂમિ દાન કરી દીધી. ભગવાને બે પગલાંમાં આકાશ અને ધરતી માપી લીધી અને ત્રીજું પગલું તો બાકી જ રહ્યું, ત્યારે બલિ રાજાએ પોતાનું માથું ધર્યું અને કહ્યું ત્રીજું પગલું અહીં મૂકો. ભગવાને તેના શિષ પર પગ મૂક્યો અને રાજા બલિને
પાતાળમાં ઉતારી દીધો. આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા રાજા બલિનું અભિમાન નષ્ટ થયું તેથી આ દિવસ બળેવના નામે ઓળખાવા લાગ્યો. જ્યારે બલિરાજા રસાતાળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત- દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું. ભગવાન વિષ્ણુ પણ વચન આપીને બંધાઈ ગયા અને બલિ રાજા પાસે જ રહી ગયા. વિષ્ણુ ભગવાન વૈકુંઠ પરત ન આવતાં લક્ષ્મીજી ચિંતાતુર થઈ ગયાં ત્યારે નારદજીએ જણાવ્યું કે, વિષ્ણુ ભગવાનને બલિ રાજાએ હંમેશાં તેમની સામે રહેવાનું વચન માંગીને પોતાની પાસે જ રાખી લીધા છે. ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો. લક્ષ્મીજીએ નારદજીના બતાવેલ માર્ગ પ્રમાણે બલિરાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણુજીને
માંગી લીધા. કહેવાય છે કે જે દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂનમ હતી. આ રીતે દેવી- દેવતાની જીવનકથા  પણ રેશમના તાંતણે ગૂંથાયેલી હતી.

♥ ઈન્દ્ર-ઈન્દ્રાણીની કથા ♥

ભવિષ્ય પુરાણમાં પણ રક્ષાબંધનના સંદર્ભે એક બીજી કથા પ્રચલિત છે. દેવો અને દાનવોના યુદ્ધમાં દેવતાઓ હારવા લાગ્યા ત્યારે દેવતાઓ
તેમની મુશ્કેલીનો ઉકેલ મેળવવા માટે દેવરાજ ઈન્દ્ર પાસે ગયા. દેવતાઓને ભયભીત જોઈને ઈન્દ્રાણીએ તેમના હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું. તેનાથી દેવતાઓનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેમણે દાનવો પર વિજય પ્રાપ્ત કરી લીધો. કહેવાય છે કે તે જ દિવસથી યુદ્ધમાં જતા યોદ્ધાઓને રાખડી બાંધવાની પ્રથા શરૂ થઈ. એટલે જ રાજપૂત રાજાઓ જ્યારે યુદ્ધ લડવા માટે જતા હતા ત્યારે ઘરની સ્ત્રીઓ તેમને રેશમની દોરી બાંધી વિજયતિલક કરીને રણભૂમિમાં તેમની રક્ષા થાય અને વિજય મળે તેવી પ્રાર્થના કરતી.

♥ રેશમના તાંતણે બંધાયા યોગેશ્વર ♥

મહાભારતની કથામાં પણ રક્ષાબંધનના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થયું ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે, "બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું?" ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવાની સલાહ આપી. ભગવાને કહ્યું હતું કે, "આ રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે." આ જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે.

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

♠ દ્રૌપદીના ભ્રાતૃપ્રેમને દર્શાવતો એક બીજો હૃદયસ્પર્શી પ્રસંગ છે. ♠

જેમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના પ્રેમની ઝાંખી થાય છે. જ્યારે મહાભારતમાં શિશુપાલ વધમાં સુદર્શન ચક્રને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ જાય છે ત્યારે દ્રૌપદી તરત જ પોતાની સાડીના છેડાથી પાટો બાંધી દે છે, કહેવાય છે કે આ દિવસ શ્રાવણી પૂનમનો પાવન દિવસ જ હતો. તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન દ્રૌપદીની સાડીની એ પટ્ટીમાં જેટલા તાંતણાં હતા તેટલાં ચીર પૂરીને વસ્ત્રહરણ પ્રસંગે તેની લાજ રાખે છે.

♠ આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન ♠

રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ પાવન બનવું, શુદ્ધ બનવું, બૂરાઈનો ત્યાગ કરવો તેમજ જીવનમાં દૃઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવાનું કામ મુશ્કેલ છે, કારણ કે આપણે બધાં જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે, જે અજર-અમર છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી. તે શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ? દરેકના મનમાં આ સવાલ ચોક્કસ ઉદ્ભવે, પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યક્તા હોય છે તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના જ પ્રતીકાત્મક મૂલ્યને પણ સમજવું જરૂરી છે. આ દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે. તેથી જો મગજમાં સદ્વિચાર આવશે  તો આપોઆપ શરીર પણ સદ્પ્રવૃત્તિ તરફ વળશે ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદ્માર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે. જેનો અર્થ એ છે કે હંમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈના પર દ્વેષભાવ ન રાખવો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે.

♥ ઇતિહાસ શું કહે છે? ♥

રેશમના તાંતણાથી બનેલી રાખડી કેવું મહત્ત્વ ધરાવે છે તેનો એક કિસ્સો ઇતિહાસનાં પાનાંઓ પર
નોંધાયેલો છે.

→ ચિત્તોડનાં રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી તેથી તેમણે હુમાયુને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને બહાદુરશાહ સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી હતી.

♥ બીજી એક કથા સિકંદર સાથે જોડાયેલી છે. સિકંદરની પત્નીએ તેના પતિના હિન્દુ શત્રુ પોરસને રાખડી બાંધી અને તેના પતિને ન મારવાનું વચન લીધું હતું. પોરસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.

♥ યજ્ઞાોપવીત સંસ્કાર ♥

શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન
તો ઊજવાય છે સાથે-સાથે સોળ
સંસ્કારમાં મહત્ત્વનો એવો યજ્ઞાોપવીત
સંસ્કાર પણ કરાય છે. આ દિવસે
જૂની યજ્ઞાોપવીત (જનોઈ)ને બદલીને
નવી યજ્ઞાોપવીત ધારણ કરવામાં આવે
છે. યજ્ઞાોપવીત ધારણ કરવાના સંસ્કાર
પાછળ પણ જીવનને કલ્યાણકારી માર્ગે
વાળવાનો પવિત્ર ઉદ્દેશ રહેલો છે.
યજ્ઞાોપવીત જ્યારે બાળક થોડું મોટું
અને સમજણું થાય ત્યારે આપવામાં આવે છે.
યજ્ઞાોપવીતમાં મુખ્ય ત્રણ તાર હોય છે
અને દરેક તારમાં પણ બીજા ત્રણ તાર હોય
છે. આ રીતે કુલ નવ તાર હોય છે.
યજ્ઞાોપવીતના મુખ્ય ત્રણ તાર
ગાયત્રી મંત્રના મુખ્ય ત્રણ પદ સાથે સંબંધ
ધરાવે છે અને નવ તાર તેના અક્ષરો સાથે.
ગાયત્રી મંત્ર સદ્બુદ્ધિનો મંત્ર છે જ્યારે
ગાયત્રી મંત્રને યજ્ઞાોપવીતના રૂપમાં ડાબા ખભે
ધારણ કરવામાં આવે છે ત્યારે તે એક મનુષ્ય
તરીકેના કર્તવ્યની સતત યાદ અપાવે છે.
ડાબા ખભે ધારણ કરવા પાછળ પણ એક તર્ક
રહેલો છે. ડાબી બાજુ હૃદય હોય છે.
જ્યારે તમે મનુષ્ય તરીકેનાં કર્તવ્યોનું વહન
કરો છો તો તમે તેને ખરા દિલથી નિભાવો એ જ ઉદ્દેશ સાથે યજ્ઞાોપવીત આપવામાં આવે છે. તેને
ધારણ કર્યા પછી દર શ્રાવણી પૂનમે બદલવામાં આવે છે. બ્રાહ્મણો આ દિવસે ઋષિ-મુનિઓને યાદ કરીને સમુદ્રકિનારે કે પવિત્ર નદી કાંઠે જઈને નવી જનોઈ ધારણ કરે છે.

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.