આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 24 October 2015

♥ વિશ્વવિક્રમોઃ કોણ, કેવી રીતે અને શું કામ કરે છે? ♥

♥ તડકભડક : સૌરભ શાહ ♥
♥ સાભાર : સંદેશ સમાચાર ♥

મારી પાસે 'ગિનેઝ વર્લ્ડ રેકોર્ડસઃ૨૦૧૬'ની તાજી પબ્લિશ થયેલી હાર્ડ બાઉન્ડ એડિશન આવી છે. એનાં રંગબેરંગી પાનાં ફેરવતાં એક વિચાર સતત મનમાં રમ્યા કરે છે કે વિવિધ ક્ષેત્રોમાં વિશ્વવિક્રમો સર્જનારા આ હજારો લોકો દુનિયાનાં બાકીના અબજો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તમે પોતે એ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હો કે નહીં, કોઈ ફરક પડતો નથી. તમને એ વિષયની ઝાઝી જાણકારી હોય કે ન હોય, આ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ માટેના તમારા અહોભાવમાં તસુભાર ફરક પડવાનો નથી.

★ તમને ખબર છે? આ દુનિયામાં બે માણસો એવા છે જેઓ એક નહીં, બે નહીં, કુલ ૨૧ વખત એવરેસ્ટની ટોચ પર જઈને સહીસલામત પાછા આવ્યા છે. એમાંનો એક છે અપા શેરના જે ૧૯૯૦માં કે ૨૮ વર્ષની ઉંમરે પહેલ વહેલી વાર એવરેસ્ટની ટોચે પહોંચ્યો. ૨૦૧૧માં એણે આ કામ છોડી દીધું ત્યાં સુધી એ દર વર્ષે એવરેસ્ટની ટોચ પર જતો. ૪૪ વર્ષનો કુરબાતાશી શેરના પણ ૨૧ વખત એવરેસ્ટની ટોચે જઈ આવ્યો છે. આપણને થાય કે એક વખત પણ એવરેસ્ટ આરોહણ કરવું કેટલી મોટી સિધ્ધી ગણાય, અને આ લોકો તો એકવીસ-એકવીસ વખત ચડઉતર કરી આવ્યા. આપણે તો સાતમા માળના ફ્લેટ સુધી પણ એકવીસ વખત દાદરા ચડીને ગયા નથી!

★ એંશી વર્ષની ઉંમર એટલે દુનિયાને જે શ્રીકૃષ્ણ કહી દેવાની ઉંમર એવું આપણામાંના મોટાભાગના ઓ માનતા હશે. જપાનના યુઈકિરો મિઉરા નામના દાદા ૨૩ મે ૨૦૧૩ના રોજ એવરેસ્ટની ટોચે પહોંચ્યા, ત્યારે એમની ઉંમર ૮૦ વર્ષ ૨૨૩ દિવસની હતી. જો કે, નીચે ઉતરતી વખતે એમને કેમ્પ-ટુ પરથી હેલિકોપ્ટરમાં કાઠમંડુ પાછા લાવવા પડતા હતા. કાંચનઝંઘા દુનિયાનો થર્ડ હાઈએસ્ટ માઉન્ટન છે. સ્પેનના ૬૦ વર્ષ ૨૧૦ દિવસના દાદા ઓસ્કાર કાડિયાપાક ઓક્સિજનનો બાટલો લીધા વિના ૨૦૧૩માં આ પહાડ પર ચડી ગયા હતા. કાંચનઝંઘાની હાઈટ એવરેસ્ટ કરતાં લગભગ હજારેક ફીટ જ ઓછી છે.

★ ફોર્મ્યુલા-વન રેસિંગમાં ભાગ લેતા ડ્રાયવરોની કારનું તાપમાન પચાસ ડિગ્રી જેટલું થઈ જતું હોય છે, અને એમના હદયના ધબકારા ડબલ થઈને મિનિટ દીઠ બસો થઈ જતા હોય છે, અને રેસ દરમ્યાન એમના શરીરમાંથી ૩ લિટર જેટલુ પ્રવાહી ઓછુ થઈ જતું હોય છે, અને એમની રેસિંગ કારના એન્જિનની આવરદા માત્ર બે કલાક જેટલી જ હોય છે. જર્મનીનો લેજન્ડરી 'ડ્રાયવર' માઈકલ શુમાકર ૧૯૯૨ અને ૨૦૦૬ દરમ્યાન ફોર્મ્યુલા વનની ૯૧ ગ્રાંપી જીતી ચૂક્યો છે અત્યારે ૪૬ વર્ષની ઉંમર ધરાવતા શુમાકરને બે વર્ષ પહેલાં સ્કીઈંગ કરતી વખતે એક્સિડન્ટ થયો. બ્રેઈન ઈજનેરી થઈ છ મહિના કોમામાં રહ્યો, અત્યારે પેરેલિટિક છે, વ્હીલ ચેર વિના હલનચલન કરી શક્તો નથી.

★ ભારતમાં મેરેથોનની સિઝન આવી રહી છે અને અનિલ અંબાણી સહિતના લોકો રોજ દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ૨૦૧૪માં કેન્યાના ડેનિસ કિમેટોએ બર્લિન મેરેથોનમાં અગાઉના તમામ વર્લ્ડ રેકોર્ડસ તોડયા. ૪૨ પોઈન્ટ ૧૯૫ કિલોમીટરનું અંતર એણે દોડીને બે કલાક બે મિનિટ ૫૭ સેકન્ડસમાં પૂરું કર્યું.

★ બ્રિટનના ૭૧ વર્ષીય સર રેન્લ્ફ ફેઈન્ઝ દોડવાની અને સાહસો કરવાની દુનિયામાં ઘણા જાણીતા છે. એક જમાનામાં બ્રિટિશ આર્મીના ઓફિસર રહી ચૂકેલા સર રેન્લફ ૬૫ વર્ષની ઉંમરે એવરેસ્ટની ટોચે જઈ આવ્યા છે, એ પહેલાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને પર જઈ આવનારા વિશ્વના સૌ પ્રથમ માનવીનું બિરુદ મેળવી ચૂક્યા છે, પગે ચાલીને એન્ટાર્કટિકા ક્રોસ કરનારા પહેલા માણસ તરીકેની ખ્યાતિ મેળવી ચૂક્યા છે. હદ તો ત્યારે થઈ ગઈ, કે ૨૦૦૩માં એક હાર્ટ એટેક આવ્યા પછી ડબલ બાયપાસ કરાવ્યાના ચાર જ મહિના પછી એમણે માત્ર સાત દિવસમાં દુનિયામાં સાત ખંડમાં યોજાતી સાત અલગ અલગ મેરેથોન રેસ પૂરી કરીઃ ૨૬ ઓક્ટોબરે સાઉથ અમેરિકા,૨૭ ઓક્ટોબરે ફોકલેન્ડ આઈલેન્ડ, ૨૮ ઓક્ટોબરે સિડની, ૨૯ ઓક્ટોબરે સિંગાપોર, ૩૦ ઓક્ટોબરે લંડન, ૩૧ ઓક્ટોબરે કાયરો અને ૧ નવેમ્બરે ન્યુયોર્ક. અને બીજી એક વાત. ૯ વર્ષ પહેલાં ૨૦૦૬માં બાસઠ વર્ષની ઉંમરે તેઓ એલિઝાબેથ નામની દીકરીના સગા બાપ બન્યા. સર રેન્લ્ફ ફેઈન્ઝે દોઢ ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં છે.

★ ક્રિકેટમાં તો સચિન તેન્ડુલકરનો ટેસ્ટ મેચમાં સૌથી વધારે રન બનાવવાનો વિશ્વવિક્રમ છે જ-૧૫, ૯૨૧.

★ હોટએર બલૂનમાં એટલાન્ટિક સમુદ્ર પાર કરવાનો વિશ્વવિક્રમ ર્વિજન એરલાઈન્સ ના માલિક સર રિચર્ડ બ્રેન્સન નો છે.

★ ૧૦૦ મીટરની દોડમાં યુસૈન બોલ્ટના રેકોર્ડને કોઈ આંબી શક્તું નથી. નવ પોઈન્ટ ૫૮ સેક્ન્ડ્સ.

★ રેડિયો પર લેવાયેલો સૌથી લાંબો ઈન્ટરવ્યુ? ઓસ્ટ્રેલિયામાં 'એબીસી સિડની' માટે રિચર્ડ ગ્લોવરે સ્પોર્ટ્સ સ્ટાર પીટર ફિટ્ઝસિમોન્સનો ઈન્ટરવ્યુ લીધો- પૂરા ૨૪ કલાક.

★ રેડિયો પર સ્પોર્ટસની કોમેન્ટરી આપનારાઓમાં અમેરિકાના બોબ વોલ્ફનો વર્લ્ડ રેકોર્ડ છે. ૧૯૩૯થી પ્રોફેશનલ બ્રોડકાસ્ટ તરીકે કેરિયર શરૂ કરનાર બોબ વોલ્ફે ૨૦૧૪માં રેડિયો કારકિર્દીના ૭૫ વર્ષ પૂરાં કર્યા.

★ ભારતીય ફિલ્મોમાં ગિનેઝ બુક ઓફ રેકોર્ડ્સે આમિર ખાનવાળી 'પીકે' ની નોંધ લીધી છે, અત્યાર સુધીની કમર્શ્યલી સૌથી સફળ ઈન્ડિયન ફિલ્મ તરીકે રિલીઝ થયાના એક જ મહિનામાં રૂપિયા ૩૩૪ કરોડનો ધંધો કર્યો.

★ હોલિવુડમાં સૌથી વધુ કમાણી કરાવી આપનારા ટોપ ટેન સ્ટાર્સમાં પહેલું નામ સ્ટીવન સ્ટીલબર્ગનું છે પછી બ્રેડ પિટ (નંબર ટુ), જ્હોની ડેપ (નંબર થ્રી), ટોમ ક્રુઝ (નં. સિક્સ), ટોમ હેન્ક્સ (નંબર સેવન), લિયોનાર્દો દ'કેપ્રિયો (નંબર નાઈન) અને મોર્ગન ફ્રીમન(નંબર ટેન)ના વારા આવે.

★ પોતાના માટે સૌથી વધુ કમાણી કરનાર હોલિવુડ એકટ્રેસ સેન્ડ્રા બુલોક છે,જેણે જૂન ૨૦૧૫માં પૂરા થતાં એક જ વર્ષમાં ૫૧ મિલિયન ડોલર્સની કમાણી કરી. સેન્ડ્રા બુલોકની અત્યાર સુધીની ગ્રેટેસ્ટ હિટ ૨૦૧૩માં રિલીઝ થયેલી 'ગ્રેવિટી' હતી. જેણે વર્લ્ડવાઈડ ૭૧૬ મિલિયન ડોલર્સનો ધંધો કર્યો હતો.

★ નાટકની દુનિયામાં અગાથા ક્રિસ્ટીનું 'માઉસ ટ્રેપ' સૌથી લાંબુ ચાલેલું નાટક છે, અને હજુય ચાલે છે, એની લગભગ સૌ કોઈને જાણ છે, પણ આ વાતની ખબર બધાને નહીં હોય, કે ડિઝનીની 'લાયન કિંગ' નામની એનિમેશન ફિલ્મ ૧૯૯૪માં રિલીઝ થઈ એ પછી ૧૯૯૭માં એ જ નામનું નાટક અમેરિકામાં બનેલું. ફિલ્મ પરથી નાટક બનાવવામાં આવ્યું એ પહેલાં ફિલ્મ જબરજસ્ત સક્સેસફુલ થઈ પણ ફિલ્મ કરતાં વધુ કમાણી નાટકે કરી છે, લગભગ પાંચગણી - સાડા પાંચ બિલિયન ડોલર્સ! વધારે મગજ ચલાવવું હોય તો જાણી લો ૧ બિલિયન એટલે ૧,૦૦૦ મિલિયન અને ૧ મિલિયન એટલે આપણા ૧૦ લાખ અને આ લખાય છે એ દિવસે ડોલરનો ભાવ છે ૬૪ રૂપિયા ૭૯ પૈસા. ગણ્યા કરો તમ તમારે.

★ ન્યૂયોર્કની રંગભૂમિ 'બ્રોડવે' તરીકે ઓળખાય છે અને લંડનની 'વેસ્ટ એન્ડ' તરીકે. બ્રોડવે પર સૌથી લાંબુ ચાલી રહેલું મ્યુઝિકલ (ગીત સંગીત ભર્યું નાટક) છે. 'ધ ફેન્ટમ ઓફ ધ ઓપેરા' એ ૨૦૧૨માં ૧૦,૦૦૦ શોઝ પૂરા કર્યા અને છેલ્લામાં છેલ્લી જાણકારી મુજબ, એના ૧૧,૨૬૩ પ્લસ શોઝ થયા છે.

★ વેસ્ટ એન્ડ પર છેલ્લાં ત્રીસ વર્ષથી વિક્ટર હ્યુગોની મહાન નવલકથા 'લ મિઝરેબલ' (જેનો સુંદર ગુજરાતી અનુવાદ 'દુખિયારા'ના નામે ઉપલબ્ધ છે) પરથી બનેલું મ્યુઝિકલ ચાલી રહ્યું છે, હજુય ચાલે છે.

★ વિશ્વવિક્રમોની દુનિયા ફેસિનેટિંગ હોય છે. જો કે, આ દુનિયામાં અનેક ગાંડાઘેલા જેવા રેકોર્ડ્સ પણ હોવાના. જર્મનીના આન્દ્રે ઓર્ટોલ્ફે કેવો વિશ્વવિક્રમ કર્યો છે, ખબર છે? ટેબલ પર મૂકેલા એક વટાણાને એક જ ફૂંકે ૨૪ ફીટ ૭ પોઈન્ટ ૬ ઈંચ દૂર ધકેલી દેવાનો વર્લ્ડ રેકોર્ડ એના નામે છે.... તાળીઓ.... અને જેમનું ગજું ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સામેલ થવાનું ન હોય એમણે શું કરવું? અરે ભાઈ, ઘરદીવડાઓ માટે 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ' તો છે જ ને!

♦ આપણે નિષ્ફળતાઓમાંથી શીખતા હોઈએ છીએ, સફળતાઓમાંથી નહીં. ♦
- બ્રેમ સ્ટોકર

('ડ્રેક્યુલા'ના રાઈટર)

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.