આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 20 August 2016

♥ ધૂમકેતુઓનો શોધક - જીન શૂમેકર ♥

બ્રહ્માંડ અને અવકાશના સંશોધનો કરવામાં ઘણાં
વિજ્ઞાનીઓનો ફાળો છે. અવકાશી પદાર્થોની અથડામણ વિશે બહુ ઓછા વિજ્ઞાનીએ સંશોધનો કર્યા છે. પૃથ્વી પર ઉલ્કા પડવાથી પડેલા ખાડાઓની શોધ સૌપ્રથમ જીન શૂમેકરે કરેલી. અવકાશી અથડામણોનું આગવું વિજ્ઞાન શૂમેકરે ઊભું કર્યું હતું.

અવકાશના સુવ્યવસ્થિત અભ્યાસનો તે પ્રણેતા હતો. તેણે લગભગ ૩૦ જેટલા ધૂમકેતુની શોધ કરી હતી.

યુજીન મર્લ શૂમેકરનો જન્મ અમેરિકાના લોસ એન્જેલસમાં ઈ.સ. ૧૯૨૮ના એપ્રિલની ૨૮ તારીખે થયો હતો. તેના માતાપિતા શિક્ષક હતા.

શૂમેકરને બાળપણથી જ ખડકો અને ખનીજોના અભ્યાસમાં રસ હતો.

૧૬ વર્ષની વયે તે ગ્રેજ્યુએટ થયો હતો. ત્યારબાદ કેલિફોર્નિયા  ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટરની ડિગ્રી મેળવી શિક્ષકની કારકિર્દી શરૃ કરી હતી. તેના ઘણા વિદ્યાર્થીઓ તેનાથી મોટી વયના હતા.

શૂમેકર ૩૨ વર્ષની ઉંમરે પીએચડી થયો હતો. બેરિંગ્ટન ક્રેટર પૃથ્વી પર પડેલી ઉલ્કાને કારણે પડેલો ખાડો હતો તે અંગેના સંશોધનો તેના મુખ્ય વિષય હતા. ખાડામાંથી મળેલા ખડકોનો ઊંડો અભ્યાસ કરીને તેણે આ શોધ કરી હતી. તે જમાનામાં પૃથ્વી પર અવકાશી પદાર્થ પછડાય તેવી વાત કોઈ માનવા તૈયાર નહોતું.

ઈ.સ. ૧૯૬૧માં શૂમેકરે અમેરિકાની જીઓલોજિકલ સર્વેના અવકાશ સંશોધન વિભાગમાં કારકિર્દી શરૂ કરી. તે સમયે એપોલો યાનને ચંદ્ર તરફ મોકલવાની તૈયારી થતી હતી. શૂમેકરને ચંદ્ર પરના ખડકોનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું હતું. આ ક્ષેત્રનો તે પ્રથમ ડાયરેક્ટર બન્યો. તેને ચંદ્ર પર જવાની ઈચ્છા હતી પરંતુ તેને એડિસન રોગ થયો હતો તેથી જઈ શક્યો નહી. તેણે ચંદ્ર મિશનમાં મહત્ત્વની કામગીરી બજાવેલી ત્યારબાદ તેણે અનેક ધૂમકેતુઓની શોધ કરી. તેણે શોધેલો લેવી શૂમેકર ધૂમકેતૂ  જાણીતો છે. અવકાશ સંશોધન ક્ષેત્રે યોગદાન બદલ શૂમેકરને અનેક સન્માનો મળેલા.

ઈ.સ. ૧૯૯૭માં ઓસ્ટ્રેલિયામાં કાર અકસ્માતમાં તેનું અવસાન થયું હતું. તેની છેલ્લી ઇચ્છા મુજબ તેના અસ્થિ ચંદ્ર ઉપર મોકલાયા હતાં.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.